નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)  સ્થિત શીખ સમુદાયના પવિત્ર સ્થળોમાંથી એક એવા ગુરુદ્વારા નનકાના સાહિબ (Nankana Sahib Gurudwara)  પર આક્રોશિત ભીડ દ્વારા પથ્થરમારો થવાના બનાવના વિરોધમાં દિલ્હી (Delhi) માં શીખ સંગઠનોએ પ્રદર્શન કરીને વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રદર્શનકારીઓએ આ દરમિયાન પાકિસ્તાની વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યાં. દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીના અધ્યક્ષ મનજિંદર સિંહ સિરસાએ કહ્યું કે ગુરુદ્વારા નનકાના સાહિબનું નામ બદલવાની ધમકી સહન કરી શકાશે નહીં. તેમણે કહ્યું કે શીખ એક બહાદુર કોમ છે અને તે ધમકીઓથી ડરવાની નથી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજૌરી ગાર્ડનથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવેલા સિરસાએ કહ્યું કે નનકાના સાહિબ ગુરુદ્વારાનું નામ કોઈ બદલી શકે નહીં. પાકિસ્તાન સરકારે આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. અત્રે જણાવવાનું કે શુક્રવારે પથ્થરબાજોએ ગુરુદ્વારા પર હુમલો કર્યો હતો. તેઓ મોહમ્મદ હસન પર કથિત પોલીસ અત્યાચારો વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. હસન પર આરોપ છે કે તેણે એક શીખ યુવતી સાથે લગ્ન કરતા પહેલા તેનું જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવ્યું હતું. 


ભારતે આ ઘટનાની આકરી ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે આ નિંદનિય કૃત્ય ગત વર્ષ ઓગસ્ટમાં ઘટેલી ઘટના બાદ થયું. જેમાં નનકાના સાહિબ શહેરમાં શીખ યુવતીને તેના ઘરેથી ઉઠાવવામાં આવી અને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવાયું કે ભારત પવિત્ર સ્થળ પર તોડફોડના આ કૃત્યની આકરી ટીકા કરે છે. ભારત સરકારે પાકિસ્તાન સરકારને પણ શીખ સમુદાયના સભ્યોની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવા માટે તત્કાળ પગલાં ભરવાનો આગ્રહ કર્યો છે. 



વિદેશ મંત્રાલયે કહ્યું કે આ તમામ ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. જેમણે પવિત્ર  ગુરુદ્વારામાં તોડફોડ કરી અને લઘુમતી સમુદાયના સભ્યો પર હુમલો કર્યો.